Archive

Archive for the ‘વિવેર મનહર ટેલર’ Category

શું રહી ગયું બાકી – વિવેર મનહર ટેલર

July 22, 2013 Leave a comment

ફરી પાછાં ફર્યાં પાછાં, હજી શું રહી ગયું બાકી?
કે એક ‘ના’થી વીતે છે શું એ જોવા ઝંખના જાગી?

જે ફૂલો આપ્યાં તેં એમાં હતી શું દુનિયાદારી કોઈ?
છે મઘમઘ આખેઆખું ઘર, મને ખુશ્બૂ જ ન આવી…

કરચલી જોઈ મારા માથે તારી તું ભ્રમર ન ખેંચ,
વિચાર એકાદ તારો છે ત્યાં સ્થાયી, ખુશ છું હું બાકી…

તને ક્યાં રસ હતો, છો સાંભળે જગ આખું મારી વાત?
હતો રસ્તો ય સીધો તો તને ઠોકર કઈ વાગી?

અમારો પ્રેમ હો કે શાયરી, સઘળું પ્રણાલિગત,
કશે રીતો નવી શું શ્વાસની અસ્તિત્વમાં આવી?

– વિવેર મનહર ટેલર

તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે – વિવેક મનહર ટેલર

July 20, 2013 Leave a comment

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બનીને મજાના ફળ ઊંચેરી ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં,
દબાયેલા આલ્બમના એકાદ પાને, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

– વિવેક મનહર ટેલર