Archive

Archive for the ‘રવિ ઉપાધ્યાય’ Category

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

December 2, 2013 Leave a comment

સમસ્યાના સાગર તરી જાણજે,
મળ્યું છે જીવન તો જીવી જાણજે…

પરીક્ષા પ્રભુનેય દેવી પડે,
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે,
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની, બની જાણજે…

વિધાતાનો કેવો આ ઉપહાર છે,
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે…

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’!
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે…

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે – રવિ ઉપાધ્યાય

November 29, 2012 Leave a comment

કોઈ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

– રવિ ઉપાધ્યાય

મંઝિલને ઢુંઢવા – રવિ ઉપાધ્યાય

April 19, 2011 Leave a comment

મંઝિલને ઢુંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જુંનું વતન નવી નગરી જવું પડે

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પથ્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે

દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે

– રવિ ઉપાધ્યાય