Archive

Archive for the ‘યામિની ગૌરાંગ વ્યાસ’ Category

હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

September 29, 2014 Leave a comment

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે,
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું,
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે,
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે,
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષા વળી શું? ટકોરા વળી શું?

તું મને એટલી બધી – યામિની ગૌરાંગ વ્યાસ

April 20, 2014 Leave a comment

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે…

પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર,
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર…

સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર,
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે,
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે…

પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું,
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું…

હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું,
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે,
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે…

તમારી એ આંખોની – યામિની ગૌરાંગ વ્યાસ

May 20, 2011 Leave a comment

તમારી એ આંખોની હરકત નથી ને?
ફરી આ નવી કોઈ આફત નથી ને?…

વ્હેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને?…

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચેજ પર્વત નથી ને?…

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને?…

– યામિની ગૌરાંગ વ્યાસ