Archive

Archive for the ‘તુષાર શુક્લ’ Category

ભીંજીએ ભીંજાઈએ – તુષાર શુક્લ

January 19, 2014 Leave a comment

ભીંજીએ ભીંજાઈએ વ્હાલમાં વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

ભીંજીએ ભીંજાઈએ સાથમાં સંગાથમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

આવ પહેરાવું તને હું એક લીલુંછમ્મ ગગન,
હું ઘટા ઘેઘુર ઓઢું આજ આષાઢી ગગન…

જાણીએ ના જાણીએ કઈ આ અગન છે કે લગન,
તુંયે ઓગળ, થોડું હુંયે પીગળું ઉન્માદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું વધુ,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વધુ વરસવાનું વધુ…

છે વરસવાનું વધુ તો છે તરસવાનું વધુ,
ના મજા મોસમની બગાડે આ વ્યર્થનાં વિખવાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈ હાથમાં…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે – તુષાર શુક્લ

February 21, 2012 Leave a comment

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે…

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી,
તરસ્યા આ હોવાના કોરાં આકાશમાં આષાઢી સાંજ એક માંગી…

વરસાદી વારતાઓ વાંચી-વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે…

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રૂંવે રૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે…

નસનસ આ ફાટીને વહેવા ચાહે છે, આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે…

– તુષાર શુક્લ

મૌસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ

February 20, 2012 Leave a comment

મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે,
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે…

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે…

શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે…

હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે…

આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે…

મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે,
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે…

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજું,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?

મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે…

– તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે – તુષાર શુક્લ

January 23, 2012 Leave a comment

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ…

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું,
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે ખીજું?

ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ, અંતે તો હેમનું હેમ,
એમ પૂછીને થાય નહીં પ્રેમ…

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી, કાયમના રહેશો પ્રવાસી,
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી…

મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ,
એમ પૂછીને થાય નહીં પ્રેમ…

– તુષાર શુક્લ

હું તને પ્રેમ કરું છું – તુષાર શુક્લ

October 14, 2011 Leave a comment

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું…

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી,
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું…
હું તને પ્રેમ કરું છું…

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું…
હું તને પ્રેમ કરું છું…

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું…
હું તને પ્રેમ કરું છું…

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું…
હું તને પ્રેમ કરું છું…

– તુષાર શુક્લ