Archive

Archive for the ‘ઝવેરચંદ મેઘાણી’ Category

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ – ઝવેરચંદ મેઘાણી

February 18, 2013 Leave a comment

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ…

મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ,
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ…

અમારા યજ્ઞનો છેલ્લો બલિ, આમીન કે’જે,
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે…

વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે,
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે…

પ્રભુજી, પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું…

અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુવેલું,
દુવા માગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઊભેલું…

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે…

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે,
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે…

જુઓ આ, તાત, ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા…

જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા,
સમર્પણ હો, સમર્પણ હો, તને એ સર્વ, પ્યારા…

ભલે હો રાત કાળી, આપ દીવો લૈ ઊભા જો,
ભલે રણમાં પથારી આપ છેલ્લાં નીર પાજો…

લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો,
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો…

તૂટે છે આભ-ઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા…

સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા…

– ઝવેરચંદ મેઘાણી

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

July 20, 2011 Leave a comment

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ…

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ,
ભીષણ રાત્રી કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ…

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ,
સાગરને પાળે સ્વાધિનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ…

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ,
વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી ચુમ્યો કસુંબીનો રંગ…

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ…

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ,
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા – રંગીલા હો! પીજો કસુંબીનો રંગ,
દોરંગાં દેખીને ડરિયાં – ટેકીલા તમે! હોંશિલા તમે! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ !

 

– ઝવેરચંદ મેઘાણી (http://jhaverchandmeghani.com/)

 

ઓડિયો લિન્ક : http://tahuko.com/?p=364