Archive

Archive for the ‘ગૌરાંગ ઠાકર’ Category

તમે બધાથી અલગ છો – ગૌરાંગ ઠાકર

January 24, 2013 Leave a comment

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું…

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું…

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું…

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું…

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું…

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું,
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું…

– ગૌરાંગ ઠાકર

હોય છે – ગૌરાંગ ઠાકર

January 7, 2013 Leave a comment

જિંદગીભર એ ઉખાણું હોય છે,
કેવી રીતે જીવવાનું હોય છે…

જે રીતે અહીંયા જીવાયું હોય છે,
કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે…

તારા આ ઉચ્છ્‍વાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે…

હું ટપાલી છું તમારી મ્‍હેકનો,
બસ તમારે ખીલવાનું હોય છે…

ઝાંઝવે જતા હરણને રોક-મા,
એ જ એનું પાણિયારું હોય છે…

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે…

– ગૌરાંગ ઠાકર

કરી દે – ગૌરાંગ ઠાકર

October 1, 2011 Leave a comment

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે…

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઊગી જા,
તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે…

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે…

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે…

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે…

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે…

 

– ગૌરાંગ ઠાકર

સાંજ ડૂબી એકલી તારા વગર – ગૌરાંગ ઠાકર

July 9, 2011 Leave a comment

સાંજ ડૂબી એકલી તારા વગર, એટલે છે આંખ મારી તરબતર,
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં, થાય અટકાવી દઉં એની સફર…

જો પ્રતિક્ષા બારણે ટોળે વળી, આવશે તું એમ આવી છે ખબર,
ફૂલને ઝાકળ કહે છે વાત જે, હું તેને કહેતો રહું બસ રાતભર…

જિંદગીને વેચવા દુનિયા ફર્યો, ચોતરફ બસ લાગણીની કરકસર,
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે? એકલો માણસ અને ભરચક નગર…

– ગોરાંગ ઠાકર