Archive

Archive for the ‘કૈલાસ પંડિત’ Category

દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

October 18, 2014 Leave a comment

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

ખરાં છો તમે – કૈલાસ પંડિત

August 13, 2013 Leave a comment

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે,
ફરીથી મનાવું, ખરાં છો તમે…

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે…

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે…

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ,
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે…

– કૈલાસ પંડિત

હાથ તો છોડો હવે – કૈલાસ પંડિત

January 31, 2013 Leave a comment

નહિ કરું ગુસ્સો હવે,
હાથ તો છોડો હવે…

ભાર લાગે છે મને,
પાંપણો ઊંચકો હવે…

હાં ભલે મળશું નહિ,
ફૉન તો કરજો હવે…

ફૂલ જેવું ક્યાં રહ્યું છે,
ઘાસને સૂંઘો હવે…

બત્તીઓ જાગી ગઇ,
સુઇ જશે રસ્તો હવે…

દ્વાર તો અહીંયા નથી,
ભીંતથી નીકળો હવે…

– કૈલાસ પંડિત

સાંજના ડૂબી જતાં – કૈલાસ પંડિત

December 8, 2012 Leave a comment

સાંજના ડૂબી જતાં એ સુર્યને,
એ પછી જોયાં કરું છું તને…

હું જવા નીકળું તમારે ઘેર ને,
બારણાં ખુલ્લા મળીયા મને…

દૂરતાં છે એટલી તારી હવે,
આવવાં છે જ ક્યાં રસ્તા મને…

જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઇ ગયાં કૈલાસને…

– કૈલાસ પંડિત

હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

November 5, 2012 Leave a comment

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે…

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે,
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે…

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી,
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે…

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી,
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે…

– કૈલાસ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે – કૈલાસ પંડિત

September 20, 2012 Leave a comment

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે…

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે…

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે…

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે…

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે…

– કૈલાસ પંડિત

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

September 18, 2012 Leave a comment

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે…

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે…

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયં દીપક ઠરી જાશે…

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે…

– કૈલાસ પંડિત