Archive

Archive for the ‘કિરણસિંહ ચૌહાણ’ Category

ઉમેરાઈ જાય છે – કિરણસિંહ ચૌહાણ

September 2, 2011 Leave a comment

ભોળીભટાક લાગણી લલચાઈ જાય છે,
નીકળે છે ઘરની બહાર ને વેચાઈ જાય છે…

વંટોળ,ધૂળ,તાપ ને વરસાદ ધોધમાર,
વૃક્ષોથી આ બધું જ પહેરાઈ જાય છે…

અંધાર વચ્ચે કંઈ સદા ઝળહળ થયા કરે,
પાંપણમાં નાનું સ્વપ્ન જો ઘેરાઈ જાય છે…

જગમાં હવે તો દોસ્ત અગોચર કશું નથી,
આંખો કરું છું બંધ ને દેખાઈ જાય છે…

નબળાં પ્રસંગ હોય તો ચર્ચાય બે ઘડી,
છાપાની જેમ જિંદગી વંચાઈ જાય છે…

કાવ્યો લખું તો એટલી ઊર્જા મળે મને,
મારામાં જાણે કોઈ ઉમેરાઈ જાય છે…

 

– કિરણસિંહ ચૌહાણ

મળી પણ શકે છે – કિરણસિંહ ચૌહાણ

June 29, 2011 Leave a comment

ન મળવાની ચીજો મળી પણ શકે છે,
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે…

ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની,
અમારું હ્રદય તો ઢળી પણ શકે છે…

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો,
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે…

આ માણસનાં હૈયા લડે પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે…

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે…

– કિરણસિંહ ચૌહાણ