Archive

Archive for the ‘ઓજસ પાલનપુરી’ Category

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે – ‘ઓજસ’ પાલનપુરી

October 18, 2012 Leave a comment

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે…

દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’,
પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે…

તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે,
સાચું કહું તો મોતને પડકાર હોય છે…

દિવાનગીની વાતને સમજી શકે ન જે,
મારી સમજ મુજબ એ સમજદાર હોય છે…

એનો સિતારો એ વિના ચમકી શકે નહીં,
સદ્ ભાગીના નસીબમાં અંધકાર હોય છે…

સમજી શક્યો છું એટલું ‘ઓજસ’ મિલન પછી,
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે…

– ‘ઓજસ’ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ – ‘ઓજસ’ પાલનપુરી

October 13, 2012 Leave a comment

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ…

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ…

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ…

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કઝા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ…

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જીંદગી જિવાઈ ગઈ…

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની “એને” ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ…

– ‘ઓજસ’ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ – ‘ઓજસ’ પાલનપુરી

June 7, 2011 Leave a comment

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ…

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઉગ્યો પણ નહીં, ને ચાંદની ફેલાઈ ગઈ…

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ…

આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,
જે મતા જેની હતી, એને બધી સોંપાઈ ગઈ…

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કઝા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ…

વાસ્તવમાં વિરહ પણ છે, એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ, જિંદગી જીવાઈ ગઈ…

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ…

– ‘ઓજસ’ પાલનપુરી