Home > આદિલ મન્સૂરી, કવિતા, ગઝલ > ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

September 3, 2014

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં,
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં…

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો,
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં…

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે,
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં…

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે,
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં…

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી,
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં…

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’,
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં…

Advertisements
%d bloggers like this: